Friday, November 26, 2010

"ભાગો શહેરમાં બોમ્બ ફુટે છે"

ચારો તરફ ; ઉઠી ચિચિયારી,
શહેરની સડક; બની અંધિયારી,
દ્રશ્ય જોઈ; ઉઠે ધ્રુજારી,
સ્તબ્ધ થઇ ગયા; નરને નારી.
શાંતિના લુટારૂ જીંદગી લુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

કોઈના શરીરમાં; વહે છે લોહી,
કોઈ મડદા પર; રહ્યું છે રોઈ,
કોઈનો પગ; કોઈનો કપાયો હાથ,
કોઈનો જીંદગીથી; છૂટ્યો સાથ,
લાશ ઉપાડવા; લોકો ખૂટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

ક્યાંક ધુમાડા; ક્યાંક છે આગ,
ચારો તરફ છે; ભાગમ ભાગ,
ક્યાંક છે ધડ; ક્યાંક છે શીષ,
કોઈ રડે કોઈ; પડે ચીસ,
દયાનો પતિ; છાતી કુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

જોરથી કોઈ; ખાય જો છીંક,
તો પણ હવે, લાગે છે બીક,
સુરક્ષીત જગ્યા; ક્યાં રહી છે,
મંદિરે જવામાં; પણ ભય છે,
એ યાદ આવે ને પરસેવો છુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

રક્ત વહાવી; રહ્યો હેવાન,
ઇન્સાન કરે; રકતનું દાન,
એ વિરલાઓને; લાખ સલામ,
જાન પર ખેલી; બચાવે જાન,
માનવતાની; સરવાણી ફૂટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

એક બીજાને; ગાળો દેતા,
નથી થાકતા; આપણા નેતા,
અપરાધીઓને; એના ખોળે,
એક બીજા પર; દોશો ઢોળે,
આ માટે પ્રજા; તેને ચૂંટે છે?
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

હોય હિંમત; શેતાન તારી જો,
તારા બાળકને; ટાંકણી મારી જો,
તેના રૂદન પર, હાસ્ય કરી જો,
દુઃખ દાતા દુઃખ; કોઈનું હારી જો,
ગર્વ રાજા; રાવણનોય તુટે છે,
ભાગો શહેરમાં; બોમ્બ ફૂટે છે.

No comments:

Post a Comment